બોલિવૂડ સ્ટાર આલિયા ભટ્ટ હાલમાં પ્રેગ્નન્ટ છે. થોડાં સમય પહેલાં જ આલિયા ભટ્ટના સીમંતની તસવીરો વાઇરલ થઈ હતી. હવે જાણવા મળ્યું છે કે રણબીર કપૂર પેરેન્ટિંગ લીવ લેવાનો છે. રણબીર કપૂર અને આલિયાએ એપ્રિલ, 2022માં લગ્ન કર્યા હતા. બંને પહેલી જ વાર ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં જોવા મળ્યા હતા. આ ફિલ્મે બોક્સ ઓફિસ ધૂમ મચાવી હતી. અયાન મુખર્જીએ ડિરેક્ટર કરેલી આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, નાગાર્જુન તથા મૌની રોય છે. આ ફિલ્મનો બીજો ભાગ પણ અવાનો છે.
રણબીરે ફિલ્મમાંથી બ્રેક લીધો
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, રણબીરે હાલમાં એક પણ ફિલ્મ સાઇન કરી નથી. બાળકના જન્મ બાદ તેની સારસંભાળની જવાબદારી રણબીર કપૂર પર છે. આલિયા ભટ્ટ ડિલિવરીના થોડાં સમય બાદ જ કામ શરૂ કરવાની છે. રણબીરના નિકટના મિત્રે કહ્યું હતું કે એક્ટર ફિલ્મમાંથી લાંબો બ્રેક લેવાનું વિચારે છે.

બાળક માટે રૂમ તૈયાર રાખ્યો છે
રણબીર અને આલિયાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેમણે બાળક માટે તમામ પ્રકારની તૈયારી કરી રાખી છે. તેમણે બાળકનો રૂમ પણ તૈયાર કરીને રાખ્યો છે. આલિયાએ પ્રેગ્નન્સીમાં પણ કામ ચાલુ રાખ્યું છે. તેણે પ્રેગ્નન્સીમાં ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’નું પ્રમોશન કર્યું હતું. આ ઉપરાંત હોલિવૂડ પ્રોજેક્ટ ‘હાર્ટ ઑફ સ્ટોન’નું પણ શૂટિંગ કર્યું હતું.

આલિયા-રણબીરના અપકમિંગ પ્રોજેક્ટ
આલિયા ડિલિવરી બાદ ‘રૉકી ઔર રાની કી પ્રેમકહાની’નું બાકી રહેલું શૂટિંગ પૂરું કરશે. ત્યારબાદ તે સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘બૈજુ બાવરા’નું શૂટિંગ શરૂ કરશે. રણબીર કપૂર પાસે ‘એનિમલ’ સિવાય એક પણ ફિલ્મ નથી.