છેલ્લા ઘણા સમયથી લોકોને પેટ્રોલ અને ડીઝલમાં મોંઘવારી નડી રહી છે. ત્યારે લોકો ઈલેક્ટ્રીક વાહનો પસંદ કરી રહ્યા છે. ઘણી કંપનીઓએ પોતાની ઇલેક્ટ્રીક બાઈક અને કાર લોન્ચ કરી છે. ત્યારે અમુક લોકો એવા પણ છે જે પોતાનું ટેલેન્ટ વાપરીને ઘરે જ ઈલેક્ટ્રીક કાર બનાવી રહ્યા છે.

હાલ રાજકોટમાંથી એક એવી ખબર સામે આવી છે જેમાં બાપ દીકરાએ એક શાનદાર ઇલેક્ટ્રીક કાર બનાવી છે. આ ગુજરાતની પહેલી વિન્ટેજ ઈલેક્ટ્રિક કાર હોઈ શકે છે. આ કાર દેખાવમાં એટલી શાનદાર છે કે જો તેને ચલાવીને રસ્તા પર નીકળો તો લોકો તેને જોયા જ કરે.

ગાડી બનાવનાર ભાવિક ચૌહાણે જણાવ્યું હતું કે આ ગાડી બનાવવામાં મારો અને મારા પપ્પાનો હાથ છે. અમે આ ગાડીની ડિઝાઈન બનાવવા ખૂબ જ મહેનત કરી છે. આ ગાડી તૈયાર કરવામાં અમારે 3 મહિના લાગી ગયા અને અમે ત્રણ મહિનામાં એક પણ દિવસ રજા રાખી નથી. વધુમાં તેણે જણાવ્યું આ ગાડી ની અંદર અમે મારુતિ સુઝુકી ના જ પાર્ટનો ઉપયોગ કર્યો છે. જેથી કરીને કોઈ કસ્ટમર આવે અને ખરીદે તો તેને સર્વિસમાં કોઈપણ સમસ્યાનો સામનો ન કરવો પડે.
અમે એવી કંપની સિલેક્ટ કરી છે કે તેના પાર્ટ્સ આપણને ગમે ત્યાં મળી જાય. અને લોકો તેની સર્વિસ ગમે ત્યાં કરાવી શકે. આ ગાડીનું નામ Prestige ગોલ્ફ રાખવામાં આવ્યું છે. અત્યારે અમે રેડ અને બ્લુ આમ બે કલરનું મોડલ બહાર પાડ્યું છે. આ કારની સ્પીડ 45 ઉપર જતી નથી એટલે આ ગાડી માટે તમારે લાઇસન્સની જરૂર રહેતી નથી. આ કાર બનાવવાનો વિચાર મારા પપ્પાને આવ્યો હતો અને તેમનું 20 વર્ષથી સપનું હતું કે આ કાર બનાવીએ અને અમે થોડા ઘણા પૈસા કમાઈ સુખી રહીએ.