ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી કમનું નામ ભારે ચર્ચામાં છે. તદુપરાંત કોઈ મોટી સેલિબ્રિટીની જેમ બેન્ટલી, રોલ્સરોઇસ કારમાં ‘કમો’ એન્ટ્રી પાડે એના પણ વીડિયો વાઈરલ થયા છે. હવે તો ‘કમા’નો ક્રેઝ આસમાને પહોંચી ગયો છે. કમો તો ભાઇ કમો કહેવાય…મોજ આવે તો બોલે, બાકી નો પણ બોલે… આવાં સૂત્રો ફરતા થયાં છે. પહેલાં ગામડામાં લઘરવગર ફરતો કમો આજે મોટી સેલિબ્રિટીની જેમ સૂટ-બૂટમાં એન્ટ્રી પાડે છે. તેની સાથે એક સેલ્ફી લેવા લાખો લોકો પડાપડી કરે છે.
આંટાફેટા કરતા કમાને મળવા હવે એપોઈન્ટમેન્ટ લેવી પડે
‘કમો’ એટલે કમલેશ નરોત્તમભાઈ નકુમ. તેની ઉંમર 26 વર્ષ છે અને તેના પિતા નરોત્તમભાઇ ખેડૂત છે. કમાને 2 મોટા ભાઇ છે, જેમનું નામ સુરેશ અને સંજય. બન્ને ભાઈ લાદી ટાઇલ્સનું કામ કરે છે. કમો તેના કોઠારિયા ગામના શ્રી રામ રોટી અન્નક્ષેત્ર આશ્રમમાં સેવાનું કામ કરે છે. કીર્તિદાને હાથ પકડતાં જ કમો એવો તે સેલિબ્રિટી બની ગયો કે આજે ‘કમા’ને મળવા એપોઇન્ટમેન્ટ લેવી પડે છે.
આમ તો ‘કમો’ બહુ ઓછું બોલે. લગભગ તો બોલતો જ નથી, પરંતુ લોકડાયરામાં ‘કમા’ને જુઓ તો તેનું અલગ જ સ્વરૂપ જોવા મળે. તેને ડાયરામાં ખૂબ જ મોજ આવે છે. લોકડાયરામાં લોકો તેને બિરદાવે છે તો અલગ તાનમાં આવે છે.
કમા પર જે રૂપિયા ઊડે એમાંથી 50% ગૌશાળામાં જાય
‘કમા’ના પિતા નરોત્તમભાઈએ કહ્યું, “આમ તો મારે ત્રણ દીકરા છે ને બધા ખેતીકામ કરે છે. કમો તેમાં બધાથી નાનો છે. અમને આનંદ થાય છે તેની પ્રસિદ્ધિ જોઈને. તેના પર જે રૂપિયા ઊડે છે અને અમને મળે છે એમાંથી 50% રકમ અમે રાખીએ છીએ અને 50% ગૌશાળામાં આપીએ છીએ. આમને આમ કમલેશનું જીવન સારું રહે અને ભગવાન તેનું ધ્યાન રાખે તેવી અમારી ઈચ્છા છે.”
ડાયરામાં પણ ‘કમા’ની ડિમાન્ડ
હવે કીર્તિદાન ઉપરાંત માયાભાઈ આહીર, જિજ્ઞેશ કવિરાજ, રાજભા ગઢવી, સાગરદાન ગઢવી, અલ્પા પટેલ, નેહા સુથાર, અપેક્ષા પંડ્યા સહિત અનેક કલાકારોનાં કાર્યક્રમોમાં “કમા’ની ભારે ડિમાન્ડ જોવા મળી રહી છે. કોઈને મળવાનો પણ ‘સમય’ તેની પાસે નથી. જોકે ‘કમો’ પહેલાં પણ તેની મોજમાં રહેતો અને આજે સેલિબ્રિટી બની ગયા બાદ પણ પોતાની મોજમાં જ જોવા મળે છે.