વડોદરા ની અંદર હાલ એવી ઘટના સામે આવી છે જેને જોઈને આ શિક્ષક ઉપર તમને ગુસ્સો આવી જશે. વડોદરાના સમા વિસ્તારમાં આવેલી નૂતન વિદ્યાલય નામની સ્કૂલમાં ધોરણ 9ની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીને શિક્ષકે ઉપરા-ઉપરી 5 લાફા જીકી દીધા. જેનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો છે.

નૂતન વિદ્યાલય સ્કૂલમાં ધોરણ 9ની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીને સ્કૂલના શિક્ષકે સામાન્ય બાબતમાં ગાલ અને કાન નીચે એક પછી એક પાંચ લાફા મારી દીધા. શિક્ષકે વિદ્યાર્થીને કેવો માર માર્યો હશે? વિદ્યાર્થીને કાનમાંથી લોહી નીકળી ગયું. વિદ્યાર્થીના વાલીને સીસીટીવી ફૂટેજ સ્કૂલમાંથી મળ્યા હતા. વાલીએ સ્કૂલના પ્રિન્સિપાલ ને મળીને આ શિક્ષકને તાત્કાલિક ડિસમિસ કરવાની રજૂઆત કરી છે.

શિક્ષકે લિમિટ ક્રોસ કરી
બહુજન સમાજ પાર્ટીના અગ્રણી ભરતભાઈ રોહિતે આ ઘટના વિશે જણાવ્યું કે સ્કૂલના શિક્ષક દ્વારા વિદ્યાર્થીને ઢોર માર મારવામાં આવ્યો હતો. એક વખત ભૂલ માફ કરાય પરંતુ વારંવાર ભૂલ નું પુનરાવર્તન થાય તો તેને ડીસમિસ કરવો પડે. અગાઉ પણ આ શિક્ષકે 5 જેટલા વિદ્યાર્થીઓને સામાન્ય બાબતમાં માર માર્યો હતો. પરંતુ આ વખતે તો ધોરણ 9ના વિદ્યાર્થીને એવો માર માર્યો કે તેણે પોતાની હદ વટાવી દીધી છે.

મારા પુત્રને પણ માર્યો
આ ઘટના બનતા જ અન્ય એક વિદ્યાર્થીની માતાએ જણાવ્યું હતું કે મારો પુત્ર ધોરણ 9 માં નુતન વિદ્યાલયમાં અભ્યાસ કરે છે. તેણે જણાવ્યું કે મારા પુત્રની બેગ ઉપર પાણી પડતા તેને રિસેસમાંથી ક્લાસરૂમમાં આવવામાં મોડું થયું હતું અને માત્ર આ કારણસર મારા પુત્રને આ શિક્ષકે બે લાફા મારી દીધા હતા. આ શિક્ષક વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તે માટે રજૂઆત કરવામાં આવી છે.

આ શિક્ષક પર શું કાર્યવાહી થશે
પ્રિન્સિપલ રતિલાલ પટેલે જણાવ્યું હતું કે શિક્ષકને ડિસમિસ કરવાનો અધિકાર ડીઓ કચેરીનો છે. ઉપરથી જે ઓર્ડર મળશે તેનું અમે પાલન કરીશું. અગાઉની વાલીઓની રજૂઆતને ધ્યાનમાં લઇ આ શિક્ષક સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. આજે વાલીઓની રજૂઆત ને ગંભીરસાથી લેવામાં આવશે.

ક્લાસરૂમમાં બોટલ માંથી પાણી ઢોળાયું તો મને લાફો માર્યો
વડોદરાના હરણી વિસ્તારમાં રહેતો વિદ્યાર્થી સમાવી વિસ્તારમાં આવેલ નૂતન વિદ્યાલયમાં ધોરણ 9માં અભ્યાસ કરે છે. સોમવારે તે સ્કૂલે ગયો હતો અને બપોરે રિસેસ દરમિયાન બોટલમાંથી ક્લાસરૂમમાં પાણી ઢોળાતા તે સાફ કરી રહ્યો હતો. અને તે દરમિયાન બાજુના ક્લાસમાંથી શિક્ષક અનિલભાઈ પ્રજાપતિ આવ્યા અને આ વિદ્યાર્થીને થપ્પડ લગાવી દીધી.
પાંચથી સાત લાફા માર્યા હોવાનો આક્ષેપ
આ ઘટનાને લઇ વિદ્યાર્થીના પિતાએ કહ્યું હતું કે મારા પુત્રને છેલ્લા છ મહિનાથી ક્લાસમાં બેંચ પર નહીં પરંતુ નીચે બેસાડવામાં આવતો હતો. તેમ છતાં અમે આ અંગે કોઈ ફરિયાદ ન કરી પરંતુ મારા પુત્રને શિક્ષક અનિલભાઈએ સાવ નાની એવી બાબતમાં પાંચ લાફા મારી દીધા છે. તેને કાનમાંથી લોહી નીકળવા લાગ્યું છે. તેમ છતાં શાળા દ્વારા કોઈ પગલા કેમ નથી લેવાયા?
નાક અને કાનમાંથી લોહી નીકળ્યું
છોકરાના પિતાએ કહ્યું સાંજે મારો દીકરો ઘરે આવ્યો ત્યારે તેને નાક અને કાન માંથી લોહી નીકળતું જોયું. અમે પહેલા તો તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા. ત્યાં તેનો સીટી સ્કેન અને એક્સરે કરી દવા આપવામાં આવી. હાલ હજુ તેના ગાલ પર સોજો છે. આ શિક્ષક અગાઉ પણ અન્ય વિદ્યાર્થીને માર મારી ચૂક્યો છે. મારો દીકરો એટલો ડરી ગયો હતો કે બે દિવસથી શાળાએ જતો ન હતો. આ ઘટનાને લઇ અમે પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે અને અમારી માંગ છે કે આ શિક્ષક સામે કડકમાં કડક પગલાં લેવાય.