વર્લ્ડ કપમાં શાનદાર શરૂઆત અને પછી ધબડકો. આ વાત કોઈને ગળે ઉતરતી નથી અને કોઈ માનવા તૈયાર નથી કે ભારતની વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડ સામે આવી રીતે હાર થઈ. જ્યારે બીજી બાજુ હારના અનેક કારણો પણ સામે આવ્યા છે. હવે તેના પર વિવાદો પણ થઈ રહ્યા છે, જોકે આવી પરિસ્થિતિમાં એક નવી વાત વહેતી થઈ છે, કે આગામી સમયમાં હવે રોહિત શર્મા પણ ટીમ ઇન્ડિયા નો કેપ્ટન નહીં રહે. તેની જગ્યા એક જબરદસ્ત ખેલાડીને સોંપવામાં આવી શકે છે. આ ખેલાડી એવો છે કે જેને લગભગ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં રમવામાં કોઈ જ વાંધો નથી. અને તે ખેલાડી નું નામ છે હાર્દિક પંડ્યા
દિગ્ગજ ક્રિકેટર સુનિલ ગાવસ્કરે એવી ભવિષ્યવાણી કરી કે આગામી સમયમાં હાર્દિક પંડ્યા ટીમ ઇન્ડિયા નો નવો કેપ્ટન બનશે. સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડ સામેની હાર બાદ ગાવસ્કરે કહ્યું કે ઘણા ખેલાડીઓ નિવૃત્તિ પણ લેશે. ભારતના પૂર્વ કેપ્ટન સુનિલ ગાવસ્કરનું માનવું છે કે T20 વર્લ્ડકપની સેમી ફાઇનલ માંથી બહાર થયા બાદ ઇન્ડિયન ટીમના ઘણા ખેલાડીઓ આ ફોર્મેટ માંથી રાજીનામું આપશે.
ગાવસ્કરે કહ્યું કે ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)માં કેપ્ટન તરીકે પોતાની પ્રથમ સિઝનમાં જ ગુજરાતની ટીમને ચેમ્પિયન બનાવનાર હાર્દિક પંડ્યા ટીમનો આગામી કેપ્ટન બનશે. ટીમ મેનેજમેન્ટે પહેલેથી જ તેનું નામ કેપ્ટન તરીકે વિચારીને રાખ્યું હશે. ગાવસ્કર વધુમાં જણાવતા કહે છે કે ઘણા ખેલાડીઓ જે 30 ની ઉંમર વટાવી ચૂક્યા છે તેઓ T20 ફોર્મેટ માંથી નિવૃત્તિ લેવાનું વિચારશે. જ્યારે ઘણા લોકોને એ પણ વિચારવાની જરૂર છે કે T20 માં પોતાનું સ્થાન કેવી રીતે જાળવી રાખવું.
ઉલ્લેખનીય છે કે, સેમિફાઇનલમાં હાર બાદ ઇન્ડિયાના હેડ કોચ રાહુલ દ્રવિડે કહ્યું કે, અત્યારે રોહિત શર્મા-વિરાટ કોહલીના ભવિષ્ય અંગે કંઈપણ કહેવું વહેલું ગણાશે, આગામી વર્લ્ડ કપમાં હજી ઘણો સમય બાકી છે. બીજી તરફ, ભારતને હરાવ્યા બાદ ઇંગ્લેન્ડ 13 નવેમ્બરના રોજ મેલબોર્ન ખાતે પાકિસ્તાન સામે ફાઇનલમાં ટકરાશે.