દિવાળીના સમય દરમિયાન તહેવારોમાં ખર્ચ કરવા લોનનો ટ્રેન્ડ વધ્યો, 1 વર્ષમાં ચૂકવી શકાય તે પ્રમાણેના EMI

  • ભારતીયો તહેવારોમાં બમ્પર શોપિંગની તૈયારીમાં
  • આ વખતે પર્સનલ લોન પ્રિ-કોવિડ સ્તરની તુલનામાં બમણી લેવાઈ છે

આ તહેવારોની દરમિયાન ભારતીયોમાં પર્સનલ લોનનું ચલણ ઝડપથી વધી રહ્યું છે. તેનાથી ઓવરઑલ રિટેલ લોનમાં વધારે ગ્રોથ જોવા મળ્યો છે. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ લોન પ્રિ-કોવિડ સ્તર (2019)ની તુલનામાં આશરે બમણી જોવા મળે છે. મુખ્ય વાત એ છે કે પર્સનલ લોનમાં જેટલો વધારો મુંબઈ-દિલ્હી જેવાં શહેરોમાં થયો છે લગભગ તેટલો જ વધારો ટિયર-2 શહેરો-જિલ્લા મથકોમાં પણ નોંધાયો છે.

ક્રેડિટ બ્યૂરો સીઆરઆઈએફ હાઈમાર્કના તાજા રિપોર્ટ પ્રમાણે, માર્ચ-સપ્ટેમ્બર 2019ની તુલનામાં પર્સનલ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ લોન 25% સુધી વધી છે, જ્યારે પહેલાં આટલા ગાળામાં 11% ગ્રોથ નોંધાયો હતો. કોટક ઈન્સ્ટિટ્યૂશનલ ઈક્વિટીના રિપોર્ટ પ્રમાણે, દેશમાં કુલ રૂ. 174.3 લાખ કરોડની લોન લેવાઈ છે. તેમાંથી 48.9% લોન રિટેલ સેગમેન્ટની છે. નિષ્ણાતોનું માનવું છે કે નવી લોનમાં બમણો વધારો એ વાતનો સંકેત છે કે અર્થતંત્રમાં ગતિ આવી ગઈ છે.

બીજી બાજુ એસબીઆઈના અહેવાલ પ્રમાણે આ વર્ષે કુલ પૈકી 36% લોન ટિયર-3 અને ટિયર-4 જિલ્લામાં લેવાઈ આવી છે. તે દર્શાવે છે કે નાના કસબામાં પણ અર્થતંત્ર ઝડપથી પાટા પર ચઢી રહ્યું છે. આ વર્ષે અપાયેલી અડધાથી વધુ પર્સનલ લોન છેલ્લા બે મહિનામાં અપાઈ છે. એટલે કે આ લોન તહેવારોની ખરીદી માટે લેવાઈ છે.

રિવેન્જ શોપિંગનો ટ્રેન્ડ મોટાં શહેરો કરતાં નાના શહેરો, કસ્બામાં વધારેઃ 2020 અને 2021માં તહેવારોની સિઝન કોરોનાને કારણે ખરાબ રહી. આ વખતે તહેવારોના દિવસોમાં કોરોનાની અસર જીરો છે. તેથી લોકોમાં રિવેન્જ શોપિંગ એટલે કે 2 વર્ષની કસર પૂરી કરવા ખરીદીનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. પર્સનલ લોન વધવા પાછળ નિષ્ણાતો આને પણ મોટું કારણ માની રહ્યા છે. રેડસીર સ્ટ્રેટેજી કન્સલ્ટન્ટ્સના એસોસિયેટ પાર્ટનર સંજય કોઠાનીનું માનવું છે કે રિવેન્જ શોપિંગનો ટ્રેન્ડ ટિયર-2 અને ટિયર-3 શહેરોમાં વધુ જોવા મળી રહ્યો છે. મોટાં શહેરોમાં પણ આવો ટ્રેન્ડ ગત વર્ષ કરતાં વધુ છે.

દેશમાં રિટેલ લોનમાં વધારે વૃદ્ધિ પાછળ તહેવારો મુખ્ય કારણ છે. ગણેશ ચતુર્થીથી દિવાળી દરમિયાન કરવામાં આવેલી ખરીદી માટે નવી લોન પણ ગયા વર્ષની સરખામણીમાં લગભગ ડબલ થઈ ગઈ છે. મુખ્ય વાત એ છે કે મોટાભાગની લોન EMI માત્ર એક વર્ષ માટે હોય છે. તે દર્શાવે છે કે ઉધાર લેનારને વિશ્વાસ છે કે તે 1 વર્ષની અંદર લોનની ચુકવણી કરશે. મોંઘવારી વધવા છતાં આવકમાં વધારો થયો હોય અથવા આગામી દિવસોમાં તેમાં વધારો થવાની ધારણા હોય તો જ આ શક્ય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *