ભેંસ પછી ગાયનો વારો આવ્યો – આણંદ પાસે ગાંધીનગરથી મુંબઈ જતી વંદે ભારત ટ્રેન સાથે ગાય અથડાઇ…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ ગાંધીનગર-મુંબઇ વચ્ચે હાઇસ્પીડ વંદે ભારત ટ્રેનને લીલીઝંડી આપી લોકાર્પણ કર્યું હતું. અને ત્યાર પછી સતત બે દિવસ ગુજરાતમાં આ ટ્રેનને બે વાર પશુ અથડાયા છે અને અકસ્માત નડ્યો છે. જેમાં ગુરૂવાર અમદાવાદના વટવા પાસે ટ્રેનને બે ભેંસ અથડાઇ હતી અને તેના આગળના ભાગે નુકસાન થયું હતું. ત્યારબાદ આજે શુક્રવારે ફરી આણંદના કણજરી પાસે ગાય અથડાઇ હતી. જેથી ટ્રેનમાં બેસેલા મુસાફરોના જીવ અધ્ધર થઇ ગયા હતા.

મુંબઈ જતી વંદેભારત ટ્રેનને અકસ્માત નડ્યો
વેસ્ટર્ન રેલવેના વડોદરા સ્થિત PRO પ્રદિપ શર્માએ જણાવ્યું હતું કે, આણંદના કણજરી-બોરીયાવી સ્ટેશન વચ્ચે સાંજે લગભગ પોણા ચાર વાગ્યે ગાંધીનગરથી મુંબઇ જઇ રહેલી વંદે ભારત ટ્રેન સાથે ગાય અથડાઇ હતી. ઘટનાને કારણે ટ્રેન 10 દસ મિનિટ લેટ ચાલી રહી છે. ગાયના માલિકની શોધ કરી તેની સામે ગુનો દાખલ કરવામાં આવશે.

કેન્દ્રીય મંત્રીનું વંદે ભારતને પશુ અથડાવા મુદ્દે નિવેદન
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, દેશના તમામ રેલવે ટ્રેક હજુ પણ જમીન પર, સપાટી પર છે. જેથી પશુઓની સમસ્યા યથાવત છે. જો કે, આવી સમસ્યાઓનો સામનો કરવા માટે ટ્રેનોની ડિઝાઈન તૈયાર કરવામાં આવી રહી છે. ગઈકાલની ઘટના પછી પણ વંદે ભારત ટ્રેનને કંઈ થયું નથી, આગળના ભાગનું સમારકામ કરાયું છે.

એક જ ટ્રેનને બીજીવાર અકસ્માત નડ્યો
વંદેભારત ટ્રેનને અમદાવાદમાં નડેલા અકસ્માત બાદ ગાંધીનગર રવાના કરવામાં આવી હતી. ત્યારબાદ ટ્રેનને રેલવે વિભાગ દ્વારા મેઈન્ટેન્સમાં મોકલીને એક જરાતમાં રિપેર કરી દેવામાં આવી હતી. જોકે, આજે શુક્રવારે ફરી આજ ટ્રેનને ગાંધીનગરથી મુંબઈ જતી વખતે અકસ્માત નડ્યો હતો. ફરીવાર પણ એક ઢોર આડે આવ્યું હતું. જો કે આ વખતે નુકસાન બહુ ઓછું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *