હાલ સિક્કિમમાંથી ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા છે. શુક્રવારે અહીં એક બસ ઊંડી ખીણમાં ખાબકતા 16 જવાનો શહીદ થયા છે. ચાર જવાન ઈજાગ્રસ્ત થયાનું જાણવા મળ્યું છે. ઘટના સ્થળે તરત જ બચાવ કાર્યનું કામકાજ શરૂ કરવામાં આવ્યું હતું. આ અકસ્માત ઉત્તર સિક્કિમના લાચીનથી 15 કિલોમીટર દૂર ગેમા વિસ્તારમાં થયો હતો.

માહિતી અનુસાર, સવારે સેનાના ત્રણ વાહનો સૈનિકોને લઈ જઈ રહ્યા હતા. આ કાફલો ચતનથી થંગુ તરફ જઈ રહ્યો હતો. આ દરમિયાન ગેમા જવાના રસ્તે વળાંક પર ઢોળાવને કારણે એક વાહનના ચાલકે અચાનક કાબુ ગુમાવી દીધો હતો. જેને પગલે વાહન નીચે ઊંડી ખીણમાં ખાબક્યું હતું.

કેવી રીતે સર્જાયો અકસ્માત
પોલીસ ઓફિસર અરુણે માહિતી આપતા જણાવ્યું હતું કે આર્મી નું વાહન ૨૦ સૈનિક સાથે સરહદી ચોકીઓ તરફ જઈ રહ્યું હતું. ત્યારે ગેમાં-3 વિસ્તારમાં વળાંક ને વાટાઘાટ કરતી વખતે વાહન રસ્તા પરથી પલટી ખાઈ ગયું અને સેકડો ફૂટ નીચે પડ્યું. આ ઘટના સ્થળેથી 16 મૃતદેહ મળ્યા છે અને ચાર ગંભીર સ્થિતિમાં છે.