આમ આદમી પાર્ટી પૂરા જોર સાથે ચૂંટણીના મેદાનમાં ઉતરી ગઈ છે. વરાછા રોડ વિધાનસભાના ઉમેદવાર અલ્પેશ કથીરિયા દ્વારા વરાછા રોડ વિધાનસભાથી ઉમેદવારી પત્ર ભરીને પોતાની દાવેદારી નોંધવામાં આવી હતી. ઉમેદવારી પત્ર ભરતા પહેલા અલ્પેશ કથીરિયા આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત વિજય સંકલ્પ રેલીમાં જોડાયા હતા. આ રેલીમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી આવ્યા હતા. વિજય સંકલ્પ રેલીમાં અલ્પેશ કથીરિયાએ જનતાના આશીર્વાદ લીધા હતા. તેની સાથે સાથે અલ્પેશ કથીરિયાએ લોકોને ભાજપના કુસાશનમાંથી મુક્તિ અપાવવા માટેનો સંકલ્પ પણ કર્યો હતો.
‘વિજય સંકલ્પ રેલી’ બાદ ઢોલ નગારાની સાથે અલ્પેશ કથીરિયા ઉમેદવારી પત્ર ભરવા માટે આવ્યા હતા. અલ્પેશ કથીરિયાની સાથે હજારો કાર્યકર્તાઓ પણ જોડાયા હતા. ચૂંટણી પહેલા જ જાણે જંગ જીતી લીધો હોય તેવી ખુશી કાર્યકર્તાઓમાં દેખાઈ રહી હતી. કાર્યકર્તાઓ દ્વારા ફટાકડા ફોડીને તેની ઉજવણી કરવામાં આવી હતી.
અલ્પેશ કથીરિયાએ મિડીયાને સંબોધિત કરતા જણાવ્યું કે, આજનો માહોલ અને જનતાનો પ્રેમ ખૂબ જ સારો છે અને જનતા ઈચ્છી રહી છે કે, પરિવર્તન આવે. કુમારભાઈ અગાઉ પણ લડતા હતા અને આજે પણ લડે છે. એમના પણ આશીર્વાદ લઈશું, પરંતુ હવે એમની ઉંમર થઈ ગઈ છે અને લોકો ઈચ્છે છે કે કુમાર કાકા ઘરે બેસીને આરામ કરે. વરાછા વિસ્તારમાં આપ જનતા જનાર્દનનો પ્રેમ જોઈ રહ્યા છો. મહિલાઓ, બેરોજગારો અને યુવાનો સતત સંઘર્ષ કરી રહ્યા છે. આ વિસ્તારમાં સુવિધાઓ નથી, સરકારી કોલેજો નથી. દેશ આઝાદ થયો તેના 75 વર્ષ થઈ ગયા છે, પરંતુ હજી પણ પાયાની સુવિધાઓથી લોકો વંચિત રહેલ છે. લોકોમાં ખૂબ રોષ છે અને લોકો આમ આદમી પાર્ટીના દરેક ઉમેદવારોને ખૂબ સમર્થન પણ આપી રહ્યાં છે.