સુરતમાં કતારગામ વિસ્તારમાંથી હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી છે. સવારે સાત વર્ષની બાળકી ગુમ થયાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી અને મોડી રાત્રે તે જ બાળકીની હત્યા કરેલી લાશ મળી આવી. ચોકાવનારી વાત તો એ છે કે આ લાશ પાડોશીના ઘરમાંથી જ મળી આવી હતી. સાત વર્ષની બાળકીનો બળાત્કાર કર્યો હોવાનું અનુમાન છે. ઘરનો માલિક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. હાલ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
સુરતના કતારગામ વિસ્તારમાં આવેલ વાળીનાથ ચોક પાસેની તિરુપતિ સોસાયટીના એક ઘરમાંથી સાત વર્ષીય બાળકીની હત્યા થઈ હોય તેવી હાલતમાં લાશ મળી આવી છે. બંધ ઘરની અંદર ગળે ફાંસો આપીને બાળકીની હત્યા કરાઈ હોવાનું અનુમાન છે. ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ શરૂ કરી હતી.
પાડોશી ના ઘરમાંથી મળ્યો મૃતદેહ
ઓરિસ્સાની વતની 7 વર્ષીય બાળકી સવારથી જ ગુમ થઈ ગઈ હતી. પરિવારે બાળકીની ગુમ થયાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. સાત વર્ષની બાળકી ઘર પાસેથી ગાયબ થઈ જતા પોલીસે પણ ઘટનાને ગંભીરતાથી લીધી હતી. પોલીસે બાળકી ના ફોટા બતાવી તેને શોધવાના પ્રયાસ ચાલુ કર્યા હતા. અને આ શોધખોળમાં રાત્રે તે જ બાળકીનો મૃતદેહ તેની જ બિલ્ડીંગ માંથી મળી આવ્યો. બાળકીની હાલત જોતા તેને ગળે ફાંસો આપીને હત્યા કરાઇ હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે.