ગુજરાત : રાજ્યમાં દારૂબંધી હોવા છતાં અવારનવાર કેસો સામે આવતા હોય છે એક બાજુ ગુજરાતમાં દારૂ બંધીની મોટી મોટી વાતો થાય છે અને બીજી બાજુ રાજ્યમાં વારંવાર દારૂની મહેફિલ માણતા લુખ્ખાઓ જોવા મળતા હોય છે. ક્યારેક તો દારૂનો મોટો જથ્થો પણ ઝડપી પાડવામાં આવતો હોય છે. હાલમાં જ રાજ્યમાં વધુ એક દારૂની મહેફિલ માણતા યુવકો અને યુવતીઓ ઝડપાયા છે. આ ઘટના આણંદના આંકલાવ તાલુકાના માનપુરા ગામે પોલીસ દ્વારા દારૂની મહેફીલ માણતા મોટા પરિવારના 15 યુવકો અને દસ યુવતીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.

મળતી માહિતી અનુસાર માનપુરા ગામના ગ્રીન ટોન ખાનગી ફાર્મ હાઉસમાં દારૂની મહેફીલ માણતા નબીરાઓને પકડ્યા હતા. આ ફાર્મ હાઉસમાં બર્થડે પાર્ટીની આડમાં દારૂની મહેફિલ ચાલી રહી હતી. આ મહેફિલમાં ધનવાન પરિવારના 15 જેટલા યુવકો અને 10 જેટલી યુવતીઓને પોલીસ દ્વારા પકડવામાં આવ્યા હતા. આ ઉપરાંત પોલીસના દરોડામાં 10 બોટલો પણ જપ્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે પકડાયેલા તમામ લોકો વડોદરાના રહેવાસી હોવાનું બહાર આવ્યું છે.

જાણવા મળ્યું છે કે બર્થ ડે પાર્ટી કોઈ મહિલાના જન્મદિવસ નિમિત્તે રાખવામાં આવી હતી. માનપુરા ગામના ગ્રીન ટોન હાઉસ ને ભાડે રાખી આ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ આ પાર્ટી દરમિયાન પોલીસની રેડ પડતા પાર્ટીનો રંગ સામે આવ્યો.

હાલમાં પોલીસ દ્વારા દારૂના નશામાં ચકચૂર બનેલા દસ યુવતીઓ સહિત 25 લોકોની અટકાયત કરવામાં આવી છે. અને દારૂની બોટલ જપ્ત કરી લીધી છે. જેમાં પાંચ બોટલો ખાલી, ત્રણ બોટલો ભરેલી અને બે અડધી બોટલો જપ્ત કરી લેવામાં આવી છે.